ભાવનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગર ખાતે યોજાયેલા સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં રૂ.34,200 કરોડથી વધુનાં ખાતમુહૂર્ત અને વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનમેદનીને સંબોધતાં જણાવ્યું હતું કે, ચિપથી શિપ સુધીના નિર્માણમાં આત્મનિર્ભરતા કેળવી ભારતની સમૃદ્ધિનું દ્વાર ખોલવાસમાન છે. ‘જે ખરીદો તે સ્વદેશી અને જે વેચો તે સ્વદેશી’ અને ‘ગર્વ સે કહો સ્વદેશી’નાં સ્ટિકરો લગાવવાનો વેપારીઓએ આગ્રહ રાખવો જોઈએ.
ભાવનગર સમુદ્રથી સમૃદ્ધિ તરફ જવાનું કેન્દ્ર બન્યું છે. 2047માં વિકસિત ભારતના સંકલ્પમાં આત્મનિર્ભરતા મુખ્ય છે. તેની વિભાવના પર ભાર મૂકતાં વડાપ્રધાને જણાવ્યું કે, સો દુ:ખોની એક જ દવા છે તે છે આત્મનિર્ભરતા. ભારતનો દરિયાકિનારો સમૃદ્ધિના દ્વાર ખોલશે. ભારત સરકાર સામુદ્રિક વિરાસતના ભારતના પુરાતન ગૌરવને ફરીથી હાંસલ કરવા મરિન ક્ષેત્રની અનેક નીતિમાં પરિવર્તન લાવી રહી છે.
વડાપ્રધાને સામુદ્રિક વિરાસતને જીવંત કરી: મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, બદલાયેલા વૈશ્વિક પરિમાણો, આધુનિક વેપારની તકો અને અદ્યતન ટેકનોલોજીનો સમન્વય કરી વડાપ્રધાને ભારતીય સામુદ્રિક વિરાસતને પુન:જીવંત કરી છે. અભિનવ પોર્ટ અને શિપ બિલ્ડિંગ પોલિસી જેવી યોજનાઓને લીધે આજે ગુજરાત દેશનું 39% કાર્ગો હેન્ડલિંગ કરતું રાજ્ય બન્યું છે. વડાપ્રધાનની દૂરંદેશીતાના પરિણામે ચારણકા સોલાર પાર્કથી શરૂ થયેલું રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર આજે વિશ્વના સૌથી મોટા કચ્છ રિન્યુએબલ એનર્જી પાર્ક સુધી વિસ્તર્યું છે.
લોથલમાં મેરિટાઇમ મ્યુઝિયમ આકાર લેશે
ભાવનગરના સમુદ્રથી સમૃદ્ધિ કાર્યક્રમ બાદ વડાપ્રધાન લોથલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે નિર્માણ પામી રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની કામગીરીની સમિક્ષા કરી હતી. ભારતની સમૃદ્ધ સમુદ્ર વિરાસતને નવી પેઢી સુધી પહોંચાડવા લોથલમાં નિર્માણ પામી રહેલું મેરિટાઇમ મ્યુઝિયમ દેશનું સૌથી મોટું મેરિટાઇમ મ્યુઝિયમ હશે. 35થી વધારે દેશના સહયોગથી નિર્માણ પામતા મ્યુઝિયમનો પ્રથમ તબક્કો પૂર્ણ થવાના આરે છે.
લોથલ સિંધુ ખીણની સભ્યતાનું ધમધમતું બંદર રહ્યું હતું, જ્યાંથી વિશ્વના દેશો સાથે વેપાર ચાલતો હતો. ઉપરાંત ચૌલ શાસનથી લઈ મરાઠા નૌસેના સુધી ભારત સમુદ્રક્ષેત્રે અગ્રણી દેશ હતો, પરંતુ કાળક્રમે દરિયામાં ભારતનો દબદબો વિસરાતો ગયો, ભારતની આ સમૃદ્ધ વિરાસતને નવી પેઢી સુધી પહોંચાડવા લોથલમાં દુનિયાનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ 35થી વધારે દેશોના સહયોગથી નિર્માણ પામવા જઈ રહ્યું છે. આ મ્યુઝિયમનો ઉદ્દેશ્ય ભારતીય દરિયાઈ વારસાનું જતન અને પ્રદર્શન, વૈશ્વિક પર્યટન સ્થળ બનાવવા તથા દરિયાઈ તાલીમ અને સંશોધન કેન્દ્ર સ્થાપવાનો છે. 375 એકરમાં 14 મ્યુઝિયમ ગેલેરી, થીમપાર્ક, લાઇટહાઉસ મ્યુઝિયમ, મેરિટાઇમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નિર્માણ પામનાર છે.
ધોલેરા- SIRનું હવાઈ નિરીક્ષણ
મોદીએ હેલિકોપ્ટરથી હવાઈ નિરીક્ષણ કરી ધોલેરા- SIRમાં ચાલી રહેલા પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અને પૂર્ણતાની ટાઈમલાઈન સંદર્ભે અધિકારી પાસેથી જાણકારી મેળવી સૂચનો કર્યાં છે. જેમાં ધોલેરા- SIRને જોડતા અમદાવાદ એક્સપ્રેસ- વે કે જે ભાવનગર સુધી તૈયાર થઈ રહ્યો છે તેનું કામ અંતિમ તબક્કે છે. જ્યારે ગ્રીનફિલ્ડ એરપોર્ટ એ ડિસેમ્બર- 2025 સુધીમાં પૂર્ણ થશે. જયારે અલ્ટ્રા મેગા સોલાર પાર્ક 4400 મેગાવોટમાંથી 1000 મેગાવોટનું ઉત્પાદન કરી રહ્યો છે. સેમિકન્ડક્ટર અને પ્લગ એન્ડ પ્લે જેવા ઉદ્યોગોના માળખાકીય કામો પૂર્ણતાને આરે હોવાનું કહેવાયંુ છે.
‘ખાડારાજ’નો અનુભવ કર્યો
વરસાદના કારણે લોથલથી અમદાવાદ એરપોર્ટ પહોંચવા હેલિકોપ્ટરને બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બગોદરા-બાવળા-ચાંગોદર-સનાથલ ચોકડીના હાઇવેથી સરદાર પટેલ રિંગરોડ થઈ મોટરમાર્ગે આવવું પડ્યું હતું. છેલ્લી ઘડીએ પ્લાન બદલતાં 92 કિલોમીટરના રસ્તે તાડબતોબ પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો. આ સમયે વડાપ્રધાન મોદીએ પોતાની કારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને બેસાડતાં અંદાજે સવા કલાક સુધી આ ત્રણેય વચ્ચે કયા મુદ્દે સંવાદ થયો તેને લઈ ભાજપમાં અને અધિકારીઓમાં પણ કૌતુક સર્જાયું છે. કહેવાય છે કે અચાનક પ્લાન બદલાતાં લોથલથી લઈને છેક અમદાવાદ એરપોર્ટ સુધીના માર્ગે વડાપ્રધાન મોદીએ પહેલીવાર ગુજરાતમાં રસ્તા પર લાંબી મુસાફરી કરી છે.

